અભિયાન

આ ઓનલાઇન ભંડોળ યોજના એ કોઈ દાન માટેની અપીલ નથી પરંતુ, આપણી માતૃભૂમિનો સાદ છે, તે બાબતને સમજવા આ પત્ર અંત સુધી વાંચવાની હું આપને વિનંતી કરું છું.

વાંચો વધારે

આપણે સૌ ગીર જંગલનું થોડા વર્ષોમાં થયેલું અધઃપતન અને ત્યાં રહેતા સિંહોની લૂપ્તતાનું જોખમ ઊભું થયું છે તે બાબતથી સારી પેઠે જાણકાર છીએ. આપણે સૌએ એ સમજી લેવું જોઈએ કે સિંહો વગર ગીર નહીં રહે, તેમ જ ગીર વિના સૌરાષ્ટ્રમાં પાણી નહીં રહે. જો સિંહોને બચાવવા પૂરતું ધ્યાન આપવામાં નહીં આવે તો  સૌરાષ્ટ્ર ઝડપથી રણમાં ફેરવાઈ જશે અને તેની સાથે સમગ્ર સમૃદ્ધિ નાશ પામશે.

ઇકો સિસ્ટમ અને સમૃદ્ધ વારસાને બચાવવા માટેનો આ માતા ગીરનો પોકાર છે. માતૃભૂમિને બચાવવાની આ ઝુંબેશને મેં એકલે હાથે ઉપાડી છે, અને છેલ્લા પાંચ વર્ષમાં મારી જિંદગીની તમામ બચતો (રૂ.૬૫ લાખ ) તેના માટે ખર્ચી નાખી છે. સત્યને શોધવા માટે મેં “ખમ્મા ગીરને”નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી છે, અને અધિકારીઓ તેમજ સરકારને આ મુદ્દે આડે હાથ લીધા છે. છેલ્લા બે વર્ષમાં આ હૃદયદ્રાવક પરિસ્થિતિથી સૌને સચેત કરવા ગાંધીનગરમાં વહીવટી અને રાજકીય લોબીમાં દર દરની ઠોકરો ખાધી છે. મારા આ પ્રયત્નોના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજય રૂપાણીને પણ આ અંગેનો ખુલ્લો પત્ર લખ્યો છે. ( તેની પીડીએફ ફાઈલ અને વિડીયો લીંક આ સાથે સામેલ છે.) આ બાબતે આજદિન સુધી તેમના કાર્યાલય તરફથી મને કોઈ પ્રતિભાવ મળ્યો નથી, અને એટલે જ બીજા પગલાં તરીકે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું ધ્યાન દોરવા આ બાબતને તેઓ સમક્ષ રજૂ કરી છે. સાચી વાતને સાંભળીને યોગ્ય પગલાં લેવાશે તેનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. છેલ્લા પ્રયત્ન તરીકે ઈશ્વર મને તેમાં સફળતા નહીં આપે તો મહાત્મા ગાંધીના શાંતિપૂર્ણ સત્યાગ્રહ અને ભૂખ હડતાલનો માર્ગ મારે લેવો જ પડશે.

મેં મારી જિંદગીના કીમતી પાંચથી વધુ વર્ષો મારા પરિવારની સુખાકારી માટે એક પણ રૂપિયો કમાયા વિના આના માટે ખર્ચી નાખ્યા છે, અને હજી આખરી ન્યાય મેળવવા માટે મારે કેટલા મહિના કે વર્ષો આપવા પડશે તેની ખબર નથી. અગાઉ  જણાવ્યા પ્રમાણે, મેં મારી તમામ બચતો ખર્ચી નાખી છે. અને તેથી જ આપણા સિંહો અને ગીરને બચાવવાની લડાઈ આગળ વધારવા, મારે આ ભંડોળ યોજનાની ફરજ પડી છે.

મારો અવાજ સાંભળીને સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે તો પણ આ વાવાઝોડાને શાંત પાડવા જેટલા પૂરતા તો નહીં જ હોય. અને તેથી જ આજીવન યોજનાના ભાગરૂપે, આ ધરતીના પુત્ર હોવાને નાતે માતા ગીર ભૂમિને બચાવવા આપણા તરફથી પણ નીચે મુજબના પગલા અને પ્રયત્નો થવા જોઇએ.

વાંચો ઓછું

લક્ષ્ય

ખમ્મા ગીરને ફાઉન્ડેશન પ્રાથમિક કામગીરી તરીકે સિંહોને, ગીરને અને તેના સાંસ્કૃતિક વારસાને બચાવવાના સામાજિક સાહસિકતાના સિદ્ધાંત પર કામ કરશે. તે “નહીં-નફો નહીં નુકસાન”ના સિદ્ધાંત મુજબ કામ કરશે, તેમજ તેની મૂડી અને ખર્ચ બાબતે પારદર્શિતા જાળવશે.

વાંચો વધારે

ખમ્મા ગીરને ફાઉન્ડેશન ગીર માલધારી ડેરી ઉદ્યોગની સ્થાપના કરીને ચોખ્ખું ઘી, માખણ અને અન્ય ડેરી ઉત્પાદનો બનાવશે. તે ઉપરાંત, માલધારી સ્ત્રીઓ દ્વારા નિર્મિત હાથ બનાવટના કપડા અને ગૃહ સજાવટની વિવિધ વસ્તુઓની વિશાળ શ્રેણી પણ રજુ કરશે. તે ઉપરાંત “ગીર”ને પ્રોત્સાહિત કરવા ગીરના અને સિંહના પ્રિન્ટ કરેલા શર્ટ અને ટીશર્ટ, ટોપી, જેકેટ, કી-ચેઇન, ફોટો-ફ્રેમ, કોફી ટેબલ બુક અને તેના જેવી અન્ય સ્ટેશનરીની વસ્તુઓનું વેચાણ પણ કરશે.

વાંચો ઓછું

સિંહ

ગીર નેશનલ પાર્ક એન્ડ સેંક્ચ્યુરીના રક્ષિત વિસ્તારમાંથી નીકળીને ગીરના સિંહો શા માટે સૌરાષ્ટ્રના ૨૪૦૦૦ ચો.કિ.મી.ના માનવ વિસ્તારમાં સ્થાઈ થયા તેનું સ્પષ્ટ કારણ સૌ કોઈ જાણે છે.

વાંચો વધારે

હાલના સંદર્ભે સહજીવનનો સિધ્ધાંત ભયાનક રીતે નિષ્ફળ ગયો છે. અને પરિણામે, દર ત્રીજા દિવસે એક સિંહનું અકુદરતી મૃત્યુ થાય છે. સામૂહિક સજાગતા અને વિશિષ્ટ અભિગમ વડે જ આ પરિસ્થિતિને નિયંત્રિત કરી શકાય એમ છે.

 1. સિંહો માનવ સાથેના સહજીવનમાં ટકી રહે તેવા પરિવર્તનો કરીને યોગ્ય વાતાવરણ ઉભું કરવા માટે ગામડાઓ અને કસ્બાઓમાં ખમ્મા ગીરને ફાઉન્ડેશન સ્વયંસેવકોનું એક મજબૂત માળખું ઉભું કરશે. શાળા, કોલેજો અને ગ્રામ પંચાયતોમાં અમલીકરણ થઇ શકે તેવા વિવિધ લોકજાગૃતિના કાર્યક્રમોની રચના કરવામાં આવશે.
 2. સિંહોની પજવણી કરતા અસામાજીક તત્વોને હતોત્સાહ કરવા સજાગતા, પરામર્શ અને દાખલો બેસાડવા જરૂર પડ્યે કડક કાયદાકીય પગલાઓ લેવામાં આવશે.
 3.  માનવો અને સિંહો વચ્ચેના સામના અને ઘર્ષણોની સંભાવનાઓને ઘટાડવા વિવિધ આયોજનો અને વ્યૂહરચનાઓનો અમલ કરવામાં આવશે. દા.ત., ગામ ફરતે વાયર ફેન્સીંગ અને ફ્લડ લાઈટો ગોઠવીને સિંહોને રાત્રીના ગામમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવશે, તેમજ પાલતુ પ્રાણીઓના મૃતદેહોને જમીનમાં દાટવામાં કે નિકાલ કરવા માટેનું બંધ સ્થળ ઊભું કરવામાં આવશે.
 4.  સિંહોના આકસ્મિક મૃત્યુને નિવારવા ખેડૂતોને તેમના ખુલ્લા કૂવાઓ ઢાંકવા માટે સહાય કરવામાં આવશે.
 5.  સિંહોના ખોરાક અને પાણીનો પૂરતો જથ્થો ધરાવતા પ્રાકૃતિક જંગલો, હરિયાળાં મેદાનો અને નિવાસસ્થાનોની રચના કરવામાં આવશે જેથી ખોરાક અને પાણી માટે સિંહો તેની બહાર નીકળે નહીં.
 6. સિંહ દ્વારા કરાયેલ પાલતુ પ્રાણીના મારણના કિસ્સામાં ગ્રામ્યવાસીને યોગ્ય અને ઝડપી વળતર મળી રહે, તે માટે સહાય કરવામાં આવશે.
 7. ગેરકાયદે થતાં લાયન ફાઇટ અને લાયન શૉ ને બંધ કરાવવા જંગલ ખાતા સાથે કડક તકેદારી અને સંકલન કરવામાં આવશે.

વાંચો ઓછું

ગીર

ગીર જંગલ એ પશ્ચિમ ભારતનું સૌથી મોટું, ઘાસના મેદાની વિસ્તારમાં આવેલું ઝાડી-ઝાંખરા અને પાનખર વૃક્ષો ધરાવતું જંગલ છે. જ્યાં  ઇ.સ.૧૯૫૫ માં ૪૦૦ થી વધુ પ્રકારની વનસ્પતિઓ હોવાનું નોંધવામાં આવ્યું હતું.

વાંચો વધારે

જેના લીધે તે સિંહોનું આદર્શ નિવાસ સ્થાન બન્યું હતું. કમનસીબે, કુવાડીયુ અને બાપ્સુ જેવા જંગલી ઘાસના નિંદામણના વિશાળ પ્રમાણમાં થયેલા ઉગાવાને લીધે જંગલની જૈવવિવિધતાઓનું મોટા પાયે અધઃપતન થયું હતું. જંગલખાતાના હકારાત્મક અભિગમ અને સહકાર વિના રક્ષિત વિસ્તારમાં કોઈ કામગીરી કરવી મુશ્કેલભરી છે. પરંતુ, ગીર ફરતેના બિનરક્ષિત વિસ્તારમાં કે જ્યા વધુ પડતી ચરિયાણ પ્રવૃત્તિ અને અતિક્રમણના લીધે પણ તેવું જ નુકસાન થયેલું છે, તેવા સિંહોના નિવાસ્થાનને સમૃદ્ધ કરવા યોગદાન આપવાની વિપુલ તકો રહેલી છે.

આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે જરૂરી એવા વિશિષ્ટ પ્રયત્નોની જરૂર છે, જે નીચે મુજબ છે.

 1. મિશન લીલુ સૌરાષ્ટ્ર. (ભીનુ અને હરિયાળુ) દસ વર્ષમાં દસ કરોડ વૃક્ષોનો ઉછેર અને 10,000 તળાવો.
 2. પ્રત્યેક ગામને પોતાના પ્રાકૃતિક જંગલો, હરિયાળાં મેદાનો અને જળસ્ત્રોતો(તળાવ) હોવા જોઈએ તે માટે પ્રોત્સાહિત કરવા. જીવંત જંગલો અને હરિયાળા મેદાનો સિંહના નિવાસસ્થાન અને પાલતુ પ્રાણીઓના ચરિયાણ તરીકે ઉપયોગી બનશે.
 3. પ્રત્યેક ખેડૂતને તેના ખેતરના 10 ટકા વિસ્તારમાં મૂળભૂત જાતિના વૃક્ષો વાવવા અને જળસંગ્રહની વ્યવસ્થા કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
 4. લાંબાગાળાના ફાયદા માટે ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વાળવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
 5. મધમાખી પાલન જેવા જંગલ આધારિત વ્યવસાયો માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
 6. ખરાબાની કે પડતર બંજર જમીનો પર પ્રાકૃતિક જંગલો વિકસાવવામાં આવશે.
 7. હરિયાળા મેદાનો અને વેટલેન્ડનું જતન કરવામાં આવશે.
 8. દર વર્ષે થોડાક વરસાદ પડે તો પણ ગીર ના ગામડાઓ ના વિસ્તાર માં વેહતી નદિયોં માં ઘોડા પુર આવી જાય છે અને પુષ્કળ માટી નું ધોવાણ થાય છે. ઉનાળામાં નદિયોં સુકી ભત થઈ જાય છે. આ માટે ના પાણી ના યોગ્ય વૈવ્સ્થાપન માટે લોક જાગૃતિ કરવામાં આવશે અને સરકારી તંત્ર અને લોકો ના સહયોગ થી યોગ્ય કામકાજ હાથ ધરવામાં આવશે.

વાંચો ઓછું

માલધારી

સદીઓથી ગીરના સિંહોના સંવર્ધનમાં માલધારીઓનો ફાળો રહ્યો છે. તેઓએ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ઉચ્ચ નીતિમત્તા ખીલવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે.

વાંચો વધારે

કમનસીબે, જંગલખાતા દ્વારા શાસનની નીતિઓની અવગણના અને અત્યાચારી વલણના લીધે આજે માલધારી જાતિ ભગ્નહૃદય અવસ્થા આવી ગઈ છે. ખમ્મા ગીરને ફાઉન્ડેશન તેઓના મૂળભૂત માનવ હક્કો અંગે તેઓમાં જાગૃતિ લાવવાનું કામ કરશે. તેમજ તેઓનું શોષણ અટકાવી અને જીવનધોરણ ઊંચું લાવવા નીચે મુજબની યોજના લાગુ કરશે.

 1. એક સમયે ગીરનું ઘી એ મુખ્ય વ્યવસાય અને સારી આવકનો સ્ત્રોત હતું. સામાજિક યોજનાઓ વડે તેઓને ઘી ઉત્પાદનના વ્યવસાય તરફ પાછા વાળવા પ્રોત્સાહિત કરવામાં આવશે, અને સારી આવક સાથે “ખમ્મા ગીર ને” ની બ્રાન્ડ તરીકે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ કરીને તેઓને સહાય કરવામાં આવશે.
 2. ગીર ગાયોના ઉછેર વડે A2 પ્રકારનું દૂધ અને ઘી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
 3. દૂધના સારા ભાવો અને જથ્થાબંધ ખરીદી વડે પ્રાણીઓના ખોરાક વ્યાજબી દરે તેઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 4. માલધારીઓના સંતાનોને સારુ શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ મેળવવામાં સહાય કરવી.
 5. માલધારી સ્ત્રીઓ પરંપરાગત વસ્ત્રો, ભીંત સુશોભનની વસ્તુઓ, પડદા, ચાદરો વગેરે બનાવવાની જન્મજાત કસબ ધરાવે છે. તેઓની આ વસ્તુ/ઉત્પાદનોને આ બ્રાન્ડ હેઠળ જ વેચીને વૈકલ્પિક વ્યવસાય ઉભો કરવાની તક આપવામાં આવશે.
 6. જંગલ પરના તેઓના અધિકારો અંગેની કાયદાકીય બાબતોમાં સહાય અને સહકાર આપવામાં આવશે.
 7. માલધારીઓની કલા અને સંસ્કૃતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર રજૂ કરીને પ્રોત્સાહન વડે તેમની જ્ઞાતિને તેમની હક મુજબની ઓળખ ઊભી કરવામાં સહાય કરવામાં આવશે.

વાંચો ઓછું

પ્રોજેક્ટ લાયન

કડવી વાસ્તવિકતા

 

 • ઈ.સ. ૨૦૨૦ ના પ્રથમ છ માસમાં ગીર જંગલે ૧૦૦ સિંહો ગુમાવ્યા છે.
 • સપ્ટેમ્બર ૨૦૧૮ માં ૨૭ થી વધુ સિંહના મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયા છે.
 • ૩૩ સિંહો ને પકડીને અવલોકન બહાના હેઠળ આજીવન કેદ કરી લેવામાં આવ્યા હતા જે પૈકીના થોડાક જ આજની તારીખે જીવે છે.
 • છેલ્લા બે વર્ષમાં ૩૦૦ થી વધુ સિંહના મૃત્યુ થયા છે.
 • ૬૦૦થી વધુ સિંહો છેલ્લા પાંચ વર્ષમાં મોતને ભેટયા છે.
 • સરેરાશ રીતે દર ત્રીજા દિવસે એક સિંહનું મૃત્યુ થાય છે.

ભારતમાં એશિયાટીક સિંહો માટે ક્ષિતિજે દેખાતું  આશાનું એક કિરણ.

૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૦ સ્વાતંત્ર દિન નિમિત્તે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તેઓના સ્વતંત્ર દિનના સળંગ સાતમા ઉદબોધનમાં પ્રોજેક્ટ લાયન શરૂ કરવાની જાહેરાત કરી.

વાંચો વધારે

સૌરાષ્ટ્રના ગીરમાં વસતા એશિયાટિક સિંહોના સંવર્ધન માટે આ એક મહત્વની અને ખૂબ જ અગત્યની જાહેરાત છે. કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી તપાસ સમિતિના અહેવાલ મુજબ ૮૫ જેટલા સિંહો ઇ.સ.૨૦૨૦ના પ્રથમ પાંચ માસમાં મૃત્યુ પામ્યા હતા. પ્રોજેક્ટ લાયનના અમલીકરણથી આવનારા આમૂલ પરિવર્તનના લીધે ગીર નેશનલ પાર્ક ઍન્ડ સેન્ક્ચ્યુરી ને સર્વોત્તમ વન્યસૃષ્ટિ સંવર્ધન મોડલ તરીકે ઉપસી આવવાની ક્ષમતામાં વધારો થયો છે. પ્રવર્તમાન વિપરિત પરિસ્થિતિઓને જોતા એવું જણાઈ આવે છે કે હાલની સિંહ સંવર્ધનની કામગીરી ટિક ટિક કરતા બોમ્બ જેવી છે કે જેને ડિફ્યુઝ કરવામાં નહીં આવે તો સિંહોની સમગ્ર જાતિ નાશ પામવાનું જોખમ ધરાવે છે. ભારતના રાષ્ટ્રીય પ્રાણી એવાં વાઘ અને તેના બચાવ અને સંવર્ધન કાર્યક્રમની કામગીરી એ ખરાં અર્થમાં નોંધનીય છે, અને તેના પરિણામ સ્વરૂપે ભારતના ૧૭ રાજ્યોમાં લગભગ ૩૦૦૦ જેટલા વાઘ કુદરતી જંગલો માં વિહરી રહ્યા છે. બીજી બાજુ જોઈએ તો, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઓળખાતા સિંહો એ ભારતનું ગૌરવ છે અને ખરા અર્થમાં જાજરમાન પ્રાણી છે. સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગીર જંગલમાં બિનઅધિકૃત અંદાજ પ્રમાણે ૯૦૦થી ૧૦૦૦ જેટલા એશિયાટીક સિંહો વિશાળ માનવ સમુદાય સાથે ૨૫૦૦૦ કિલોમીટર વિસ્તારમાં સહજીવન જીવી રહ્યા છે. વિનાશના આરે પહોંચી ગયેલી સિંહની આટલી નાની વસ્તી ઘણા બધા પ્રતિકૂળ સંજોગોને લીધે સંપૂર્ણ અસ્તિત્વ ગુમાવવાનું જોખમ ધરાવે છે. સમયની માંગ છે કે સિંહોને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવે જેથી તેઓની વંશવૃદ્ધિ માટે જરૂરી બિનવિવાદાસ્પદ સંરક્ષણ અને સંવર્ધન માટે આવશ્યક ધ્યાન અને કાળજી તાત્કાલિક ધોરણે પ્રાપ્ત થાય. પ્રોજેક્ટ લાયનની ઘોષણા સાથે જ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની શાન એવા સિંહો પરની દીર્ઘકાલીન અવગણના દૂર થઈ ધ્યાન કેન્દ્રિત થશે. ખમ્મા ગીરને ફાઉન્ડેશન સિંહોનાં સંરક્ષણ માટે લાંબા ગાળાના આયોજનો અને વિશિષ્ટ નીતિઓના ઘડતરમાં ચોક્કસપણે કેન્દ્રીય ભૂમિકા ભજવશે.

ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પોતાના દિલમાં સિંહો માટેની સંવેદનાનાને લીધે જ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૦ ના દિવસે તેમના ભાષણમાં પ્રોજેકટ લાયનની જાહેરાત કરી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વધુ સખત પગલાં અને વિશિષ્ટ આયોજનોની આવશ્યકતા ઊભી થશે. ખમ્મા ગીર ને ફાઉન્ડેશન માત્ર સમસ્યાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે નહીં પરંતુ, સરકારશ્રી અને અધિકારીઓ સાથે હાથમાં હાથ મિલાવી ભારતના ગીર એશિયાટિક સિંહોના સંવર્ધન માટે જરૂરી એવી તમામ બાબતોના સંભવિત ઉકેલ માટે કામ કરવા કટિબદ્ધ છે. આવનારી પેઢીઓ માટે અમૂલ્ય સંપત્તિ એવા સિંહોને બચાવવા માટે જરૂરી એવા તમામ હકારાત્મક પ્રયત્નો વડે ખમ્મા ગીરને ફાઉન્ડેશન પોતાની વચન બધ્ધતા સાથે સમર્પિત થઈને ગીરની પ્રજાની ઘણું જીવો ગીરની કૃતજ્ઞતા અને આદરને પ્રગટ કરે છે.

વાંચો ઓછું

ટીમ

નરેન્દ્ર મોજીદ્રા

સ્થાપક, વહીવટી નિયામક

વર્તમાનમાં સ્વબળે ફિલ્મ મેકર તરીકેનો 25 વર્ષનો ગહન અનુભવ ધરાવતા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની વિનમ્ર એવી પ્રજાપતિ કુંભાર જ્ઞાતિમાં થી આવતા નરેન્દ્ર મોજીદ્રાનો જન્મ અને ઉછેર મુંબઈના દૂરના વિસ્તાર ડોમ્બિવલીમાં થયો હતો.

વાંચો વધારે

ટૂંકાગાળાના તકનીકી વ્યવસાયમાં હાથ અજમાવ્યા બાદ ૯૦ના દસકાની શરૂઆતમાં તેઓના મિત્ર દ્વારા નિર્મિત દૂરદર્શનની મરાઠી સિરિયલ ના શૂટિંગના સાક્ષી બનતાં સમયે અકસ્માતે સિનેમા વ્યવસાયનો તણખો તેઓના મનમાં ઝબક્યો. આ તણખો કાયમી આગમાં ત્યારે પરિણામો કે જ્યારે તેઓને આમિરખાન અભિનીત અને જોન મેથ્યુ મથ્થાન દ્વારા દિગ્દર્શિત હિન્દી ફિલ્મ “સરફરોશ” ના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાની જીવનભરની સર્વોચ્ચ તક પ્રાપ્ત થઇ. અને ત્યાર બાદ FTIIના ડાયરેકશન ના સ્નાતક સૌમિત્ર રાનડે સાથે “જજંતરમ મમંતરમ” ફિલ્મ કે જે પ્રખ્યાત લોકવાર્તા ગુલીવર ટ્રાવેલ્સ પર આધારિત હતી તેના સહાયક નિર્દેશક તરીકેની કામગીરી સંભાળી. ફિલ્મ સર્જનની અન્ય કુશળતાઓને  શીખવા માટે તેઓ નવીન રાવનચૈકુલ, અરુણ ખોપકર, મહેશ મથાઈ,  રજત કપૂર,હારુન ફરોકી (જર્મની ), ગેરી ટ્રોયના (ઇંગ્લેન્ડ ) અને અન્ય જેવા ભારતીય અને આંતરરાષ્ટ્રીય સન્માનિત પ્રતિભાઓ સાથે જોડાયા.

ઈ.સ. ૨૦૦૯ થી ૨૦૧૪ સુધીના લગભગ પાંચ વર્ષનો સ્વૈચ્છિક અધ્યયન અવકાશ ભોગવીને બીજી ઇનિંગની શરૂઆત ગુજરાતી લાક્ષણિક ફિલ્મ “ગુજ્જુ ભાઈ ધ ગ્રેટ” ના એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર તરીકેની જવાબદારી સાથે કરી, કે જે તે સમયે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બોક્સ ઓફીસ પર સર્વોચ્ચ કમાણી કરનાર ફિલ્મ તરીકે પ્રખ્યાત બની. ત્યારબાદ ફિચર ફિલ્મ બનાવવાના પોતાના જીવનના સ્વપ્નને સાકાર કરવા માટે સિંહ અને માનવી(માલધારીઓ)ના સહજીવન કે જે પૃથ્વી પર માત્ર ગીરમાં જ અસ્તિત્વ ધરાવે છે તે બાબત પર આધારિત સ્ક્રીપ્ટની સંશોધન કામગીરી માટે તેઓ ગીર સેન્ચ્યુરી એન્ડ નેશનલ પાર્ક ગયા. ત્યાં હૃદયને હચમચાવી મૂકે તેવી સિંહ અને માલધારીઓ ની અવદશાના સાક્ષી બનીને ત્યાર પછીના ત્રણ વર્ષ સુધી ત્યાં જ રોકાયા. પોતાની જીવનપર્યંતની તમામ બચતો ખર્ચીને સંશોધનાત્મક દસ્તાવેજી ફિલ્મ “ખમ્મા ગીર ને” બનાવી અને તેના દ્વારા સિંહ જેવી કુદરત દ્વારા  માનવીને મળેલી અમૂલ્ય ભેટને વિનાશના જોખમે લાવી દેનારા ઘણા પ્રતિકૂળ સંજોગો, સંવેદનશીલ બાબતો અને પરિસ્થિતિઓના રહસ્યોને છતાં કર્યા છે.

ગીર જંગલ, સિંહ અને માલધારીઓને બચાવવા તેમજ સમૃદ્ધ કરવા માટે જરૂરી આમૂલ પરિવર્તનો માત્ર ફિલ્મ બનાવી દેવાથી નહીં આવે તેનો ખ્યાલ આવતાં આ બાબતને તેઓ પોતાની જિંદગીનો એક અને માત્ર એક પડકાર/ધ્યેય તરીકે સ્વીકારી લીધો છે. અને ખમા ગીરને ફાઉન્ડેશનની સ્થાપના તેને સિદ્ધ કરવાના પ્રથમ ચરણ સ્વરૂપ છે.

તેઓ હાલમાં સાથે સાથે ગુજરાતી ફીચર ફિલ્મ “આને કહેવાય લવ સ્ટોરી” ની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ અત્યંત ભાવનાત્મક પ્રેમ કથા છે કે જેમાં ભિન્ન વ્યક્તિત્વ ધરાવતા બે પુરુષો એ અત્યંત દિલેર અને પ્રેમમાં તરબોળ ભાવનાઓ ધરાવતી સ્ત્રીના દિલ ને જીતવાના  ઉત્સાહ સાથે સંઘર્ષ કરી રહ્યા છે .આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે.

વાંચો ઓછું

વિશાલ શેઠ

સહ-સ્થાપક, નિયામક

તેઓ ઉગતી પેઢીના, સ્વબળે પોતાના ક્ષેત્રના સર્વોચ્ચ સ્થાન પર પહોંચેલા અમદાવાદસ્થિત એવા નિયોજક (બિઝનેસમેન) છે. ૬૦૦ વર્ષોનો સમૃદ્ધ વારસો ધરાવતા વૈભવશાળી અમદાવાદમાં તેનો ઉછેર થયો છે.

વાંચો વધારે

જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હોવાને લીધે તેમને પારિવારિક આદર્શો અને માનવીય મૂલ્યો વારસામાં મળ્યા છે. વિસ્તૃત પ્રવાસ અનુભવ ધરાવતા આ વ્યક્તિએ ફોટોગ્રાફી પ્રત્યેના લગાવને પોતાની અત્યંત વ્યસ્ત કામગીરી વચ્ચે પણ જાળવી રાખ્યો છે. તેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રના એક સફળ વ્યક્તિ છે. વન્યજીવોને તેઓની પ્રાકૃતિક અને સર્વોચ્ચ અવસ્થામાં નિર્ભયપણે કચકડે કંડારવા માટે તેઓ લેન્સની પાછળ ઊભા રહેવાની ઘેલછા ધરાવે છે. વન્યજીવ ફોટોગ્રાફીના વ્યવસાયિકોમાં અમુક વિશિષ્ટ તસવીરો લેવાની એમની આવડતની સર્વોચ્ચ સ્તરે નોંધ લેવાઇ છે. તેઓની આ કામગીરી અને લગાવના લીધે વિશ્વના ખૂણે ખૂણે તેઓ ફર્યા છે અને, સમવૈચારિક પ્રકૃતિ ધરાવતા લોકો સાથે મિત્રતા અને નિકટતા કેળવી શક્યા છે.

તેઓના માટે દરેક વસ્તુ એ માત્ર મેળવી જ લેવી એવું નથી પરંતુ સમાજને, વિશ્વને અને વિશેષતઃ જરૂરિયાતમંદોને તેઓએ તેની સામે પાછું આપ્યું છે. વન્ય જીવો અને ખાસ કરીને સિંહ પ્રત્યેના તેમના લગાવને લીધે “ખમ્મા ગીર ને” નામની સિંહોના સંવર્ધન અંગેની દસ્તાવેજી ફિલ્મ નિર્માણમાં તેઓ જોડાયા. સિંહોના સંવર્ધનની કામગીરીમાં તેઓ માત્ર જરૂરી સહકાર આપતા એટલું જ નહીં પરંતુ, સમગ્ર ચળવળને એક  અગ્રીમ સ્તર સુધી લઈ જવામાં સહાયક બન્યા.  સમુદાયને અસરકારક એવું સંગીત, આર્થિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન, મીડિયા કવરેજ અને ગુજરાત રાજ્યના સર્વોચ્ચ સામાજિક કાર્યકર્તાઓનું ધ્યાન ખેંચવામાં તેઓએ નોંધનીય સહકાર આપ્યો છે.

વાંચો ઓછું

જીતેન્દ્ર ત્રિવેદી

કાર્યકારી સંચાલક

એમ.બી.એ.(માર્કેટિંગ), એમ.એ.( અર્થશાસ્ત્ર), ટેક્સટાઈલ એન્જિનિયર

પ્રકૃતિપ્રેમી, પર્યાવરણવિદ અને વિનમ્ર સ્વભાવના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ પરિવારમાંથી આવતા જીતેન્દ્ર ત્રિવેદીનો જન્મ અને ઉછેર ગુજરાતના મેગાસિટી એવા અમદાવાદમાં થયો છે.

વાંચો વધારે

તેઓ એન્જિનિયરિંગ, અર્થશાસ્ત્ર, બાંધકામ, પેટ્રોકેમિકલ અને મેનેજમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણપ્રાપ્તિ અને કાર્યાનુભવ ધરાવે છે. અમદાવાદની પ્રખ્યાત ધિ અરવિંદ મિલ્સ લિ. તેમજ મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓમાં મેન્યુફેક્ચરિંગ મેનેજર તરીકેનો ૨૫ વર્ષનો સમૃદ્ધ અનુભવ સાથે અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ પ્રાયોગિક અનુભવ ધરાવે છે.

શિક્ષણ એ વ્યક્તિને સશક્ત બનાવતું પરિબળ છે એ નાતે, તેઓએ ઇ.સ. ૨૦૦૦માં અમદાવાદની લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થા નિરમા યુનિવર્સિટીની નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી એમ.બી.એ.(માર્કેટિંગ)ની પદવી પ્રાપ્ત કરી. અર્થશાસ્ત્રના લગાવને લીધે તેઓએ અર્થશાસ્ત્રમાં એમ.એ. ની અનુસ્નાતકની પદવી ઈ.સ. ૨૦૧૧માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેળવી.અને બી. એ.(અર્થશાસ્ત્ર) ઇ.સ.૧૯૯૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું હતું. ઉપરાંત તેઓએ ૧૯૮૮માં અમદાવાદની આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ પણ પ્રાપ્ત કર્યું હતું. વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કર્યા બાદ તેઓએ નોકરીને અલવિદા કરીને ઈ. સ. ૨૦૦૫માં કન્સલ્ટન્ટ તરીકેની સ્વબળે કારકિર્દી અપનાવી.

પહેલા તેઓએ શિક્ષણ, પેટ્રોકેમિકલ, બાંધકામ અને પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ટેકનિકલ કન્સલ્ટન્ટ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકેની કામગીરી કરી હતી. ત્યારબાદ ઇ.સ.૨૦૧૫માં શ્રી નચિકેતા એજ્યુકેશન ટ્રસ્ટમાં ડાયરેક્ટર તરીકેની જવાબદારી તેઓએ સંભાળી, અને સંચાલનના વિવિધ સ્તરો પર શૈક્ષણિક ક્ષેત્રમાં તેઓ પોતાનો ફાળો આપી રહ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવા માટે તેઓએ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આ અંગેની ઝુંબેશ, રોડ-શો, નાટકો વગેરેના માધ્યમથી કામગીરી કરી છે. વન્યજીવ સૃષ્ટિ અને જંગલોના સંવર્ધન પ્રત્યેની પોતાની તીવ્ર રુચિ અને લગાવને લીધે ઈ. સ.૨૦૧૯ માં તેઓ ખમ્મા ગીરને ફાઉન્ડેશન સાથે જોડાયા.

વાંચો ઓછું

ઉત્પાદનો

ઉદ્દેશો

ગીર રિપોર્ટર

ગીર રિપોર્ટર એપ વડે ગિરના લોકો કોઈ ઘટના કે સમાચાર અંગેની માહિતી મોબાઈલ વડે મોકલી શકશે. ગીરના તમામ સમાચારો તેની વેબસાઈટ પર તેમજ સાપ્તાહિક ન્યૂઝ લેટર સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે.

સિંહ સેના

સિંહોના બહેતર સંવર્ધન અને રક્ષણ માટેની ફરજો સુપેરે નિભાવવા અને લોકજાગૃતિના કાર્યક્રમો કરવા માટે ગીરના યુવાનોને સિંહ સેનાના એક જ છત્ર હેઠળ સંકલિત કરવામાં આવશે.

સમાચાર

પ્રિન્ટ ૨૦૧૮-૧૯

પ્રિન્ટ ૨૦૨૦

પ્રિન્ટ (ખમ્મા ગીર ને)

વિડીઓ

સંપર્ક

આ ફ્રોમ દ્વારા તમારો સંદેશો મોકલો.

ઇમેલ: khammagirnefoundation@gmail.com

મોબાઈલ: +૯૧ ૯૯૨૦૩૯૯૯૦૯

 

હું હર્ષવર્ધન નિમ્બાર્ક

ખમ્મા ગીર ને, ખમ્મા સિંહ ને.

ખમ્મા ગીર ને ફાઉન્ડેશન ને અભિનંદન અને ખુબ ખુબ આભાર, આપ જે યજ્ઞ કરી રહ્યા છો ગીર,

સિંહ અને માલધારી ને બચાવવા માટે નો એમાં હું ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે જોડવા માંગું છું.

આપ મારું આ નાનકડું યોગદાન સીવ્કાર કરશો. શુભેચ્છા !!!

- હર્ષવર્ધન નિમ્બાર્ક, જુનાગઢ

I love Gir I love Khamma Gir Ne and team.

I am more than happy to do my little bit and extend my support whole heartedly for your mission.

Hey! you guys are doing fantastic work to save our lions and rich heritage of Kathiyad.

All the best!! Khamma Gir Ne

- Rudra Bharad (Jalandhar, Gir)

I am more than happy to do my little bit and extend my support whole heartedly for your mission.

Hey! you guys are doing fantastic work to save our lions and rich heritage of Kathiyad.

All the best to Khamma Gir Ne and the team.

All the best!! Khamma Gir Ne

- Pratik Joshi (UAE)

Khamma Gir Ne Hey!

you guys are doing fantastic work to save our lions and rich heritage of Kathiyad.

I am more than happy to do my little bit and extend my support whole heartedly for your mission.

All the best to Khamma Gir Ne and the team.

All the best!!

- Prashant Gajera (USA)